08 June 2014

ગરમીના કારણે ખાનગી શાળાઓએ વેકેશન એક સપ્તાહ લંબાવી દીધું...જો કે સરકારી શાળાઓમાં વેકેશન લંબાવવામાં નથી આવ્યું. તેના બદલે બપોરે શાળા વહેલી છોડી દેવાનો નિર્ણય લેવાયો છે...


➣ છેલ્લા પખવાડિયાથી સમગ્ર ગુજરાત અગનગોળો બની ગયું છે. લગભગ દરરોજ ૪૪થી ૪પ ડિગ્રી તાપમાન રહે છે. આભમાંથી આગ વરસી રહી છે. આવી સ્થિતિમાં અમદાવાદની અનેક ખાનગી શાળાઓએ વેકેશન એક અઠવાડિયું લંબાવી દીધું છે. તા.૯ના રોજ જે શાળાઓ ખુલનાર હતી તે હવે તા.૧૬મીએ ખુલશે. જો કે સરકારી શાળાઓમાં વેકેશન લંબાવવામાં નથી આવ્યું. તેના બદલે બપોરે શાળા વહેલી છોડી દેવાનો નિર્ણય લેવાયો છે.
સમગ્ર ગુજરાત અત્યારે હિટ વેવની ઝપટમાં છે. અસહ્ય ગરમી અને આકરો તાપ અનુભવાઈ રહ્યો છે. જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. બપોરે રોડ-રસ્તા પર કર્ફયુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આ સ્થિતિમાં પ્રાથમિક શાળા અને ધોરણ ૯ સુધીની શાળાઓ તા.૯થી ખુલવાની હતી. પરંતુ આકરા તડકાના કારણે વિદ્યાર્થીઓને શાળાએ બપોરે આવવા-જવામાં તકલીફ પડી શકે છે.
કુમળા ફૂલ જેવા બાળકો અસહ્ય ગરમીના કારણે બિમાર ન પડે તે માટે અમદાવાદની અનેક ખાનગી શાળાઓએ વેકેશન એક સપ્તાહ લંબાવી દીધું છે. જે શાળાઓ તા.૯મીએ ખુલવાની હતી તે હવે આગામી તા.૧૬મીએ ખુલશે. જો કે સરકારી શાળાઓમાં વેકેશન લંબાવવામાં આવ્યું નથી.

➣ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે ખાનગી શાળાઓ વેકેશન લંબાવવાનો નિર્ણય લેવા સ્વતંત્ર છે. સરકારી શાળાઓમાં વેકેશન લંબાવવામાં આવ્યું નથી.

➣ આ અંગે ચુડાસમાએ જણાવ્યું હતું કે સરકારી શાળાઓમાં આમ પણ ૩૦ જૂન સુધી સવારની જ શાળા હોય છે. આથી તેમાં બહુ ફરક પડતો નથી. આમ છતાં શાળા બપોરે છુટે ત્યારે ૧ર વાવ્યાના બદલે ૧૦ઃ૩૦ કે ૧૧ વાગ્યે શાળા છોડી દેવાશે. જેથી તડકો થાય તે પહેલા બાળકો સુરક્ષિત રીતે ઘરે પહોંચી જાય.આ ઉપરાંત તા.૧રથી ૧૪ સુધી શાળા પ્રવેશોત્સવ યોજાવાનો છે. ગુજરાત સરકારનો આ મહત્વનો પ્રોજેક્ટ છે. જો સરકારી શાળામાં વેકેશન લંબાવી દેવામાં આવે તો શાળા પ્રવેશોત્સવની જે તૈયારીઓ અનઇે આયોજન થઈ ચૂક્યું છે તેના પર પાણી ફરી જાય. કારણ કે આખું આયોજન બીજા અઠવાડિયામાં લઈ જવું શક્ય ન બને અને આખો શાળા પ્રવેશોત્સવ પડતો મુકવો પોસાય નહીં. આથી સરકારે સરકારી શાળાઓમાં વેકેશન ન લંબાવવાનું નક્કી કર્યું છે.

♥ પ્રવેશોત્સવ કરતાં બાળકોની જિંદગી મૂલ્યવાન છે તે સરકાર સમજશે? ♥

➣ ગુજરાત સરકાર પોતાની વાહવાહી માટે શાળા પ્રવેશોત્સવ યોજે છે. આ વર્ષે પણ તા.૧રથી તા.૧૪ સુધી પ્રવેશોત્સવ યોજાવાનો છે. પરંતુ હાલમાં એટલા અસહ્ય તડકાં પડી રહી છે કે બાળકો શાળાએ જાય તો ગરમી અને તાપના કારણે લૂ લાગી જવા, કે ડિહાઈડ્રેશન થઈ જવાનો ગંભીર ખતરો છે. આવી સ્થિતિમાં ગુજરાત સરકારે સરકારી શાળાઓમાં વેકેશન લંબાવવું જોઈએ. પરંતુ સરકારે વેકેશન નથી લંબાવ્યું. કારણ કે પ્રવેશોત્સવનું આયોજન પડી ભાંગી શકે છે. પોતાની વાહવાહીના કાર્યક્રમમાં પંકચર પડે તે સરકારને પાલવે તેમ નથી. આથી સરકારી શાળાઓના બાળકોના જીવના જોખમે પણ શાળાઓ શરૃ કરાવીને જલ્દી પ્રવેશોત્સવ ઉજવી દેવાનો મનસુબો બનાવ્યો છે. આ જ મંત્રીઓ અને સચિવોની ચેમ્બરનું એરકન્ડિશન જો એક અઠવાડિયું બંધ કરી દેવાય તો તેઓને સમજાય કે ૪૪ ડિગ્રીમાં કેવી રીતે રહી શકાય. પ્રવેશોત્સવ તો બીજા અઠવાડિયે પણ યોજી શકાય. કોઈના વહાલસોયાની જીંદગી કરતાં પ્રવેશોત્સવ કે પબ્લિસિટી વધારે કિંમતી નથી તે ગુજરાત સરકારના મંત્રીએ, અધિકારીઓએ અને ખુદ મુખ્યમંત્રીએ સમજવું જોઈએ.

♥ શાળાઓમાં વેકેશન લંબાવાયું નથી ઃ ગુજરાત શિક્ષણ બોર્ડ ♥

➣ અમદાવાદ સહિત ગુજરાતભરની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એવી તમામ શાળાઓમાં વેકેશન લંબાવાયું નથી. ખાનગી, ગ્રાન્ટેડ સહિતની શાળાઓમાં સોમવારથી શૈક્ષણિક સત્ર ચાલુ થશે. ગુજરાત બોર્ડની શાળાઓમાં પણ અઠવાડીયું વેકેશન લંબાવવાની માગણી બોર્ડ સમક્ષ કરાઇ હતી. બોર્ડની કારોબારીમાં આ અંગેની ચર્ચા થઇ હતી પણ કોઇ નિર્ણય લેવાયો નથી. એટલે કે ૯મી જૂનની શાળાઓમાં શૈક્ષણિક સત્ર ચાલુ કરવાનું રહેશે. ગુજરાત શિક્ષણ બોર્ડે સ્પષ્ટ કરી દીધું છે કે, નિયત ટાઇમટેબલ મુજબ શાળાઓ ૯મી જુનના રોજ, સોમવારથી જ ચાલુ થશે. વેકેશન લંબાવાયું નથી. બોર્ડના તથા ડીઈઓનાં સૂત્રો કહે છે કે એવી શાળાઓને નોટિસ ફટકારી, ખુલાસો પૂછાયા બાદ આકરી કાર્યવાહી કરાશે.

No comments: