09 August 2014

મહેસાણા જિલ્લાની પ્રા.શાળાઓમાં ધો.૬ના બાળકોને ઓનલાઇન શિક્ષણ અપાશે...

➣ શિક્ષણ વિભાગ દ્વારા સરકારી શાળાઓને હાઇટેક બનાવવાનો પ્રોજક્ટ હાથ ધર્યો... 

➣ સમયની સાથે હવે સરકારી શાળાઓ પણ આધુનિક થવા સજ્જ બની રહી છે. શિક્ષણ વિભાગ દ્વારા સરકારી શાળાઓને હાઇટેક બનાવવાનો પ્રોજક્ટ હાથ ધર્યો છે. પ્રાયોગિક ધોરણે રાજ્યની પ૦૦ જેટલી પ્રાથમિક શાળાઓમાં વર્ચ્યુઅલ એજ્યુકેશન શરૂ કરાશે. જેમાં મહેસાણા જિલ્લાની ૧૦૦ સ્કૂલોનો સમાવેશ કરાયો છે. જેને પગલે પસંદ કરાયેલી આ શાળાઓના ધો.૬ના બાળકોને શિક્ષણના પાઠ ઓનલાઇન ભણાવાશે. સારા મકાનો અને સુવિધાને પગલે શહેરી વિસ્તારમાં હાલ ખાનગી સ્કૂલોનું વર્ચસ્વ વધુ જોવા મળી રહ્યું છે. પરંતુ શિક્ષણની આ સ્પર્ધામાં ટકી રહેવા અને બાળકોને સમયની સાથે સુવિધાયુક્ત શિક્ષણ આપવા શિક્ષણ વિભાગ દ્વારા વર્ચ્યુઅલ એજ્યુકેશનનો નવતર પ્રયોગ હાથ ધરાયો છે.આ પ્રોજેક્ટમાં પ્રાથમિક તબક્કામાં જિલ્લામાં મહેસાણા, કડી, વિસનગર, વડનગર અને વિજાપુર તાલુકાની ૧૦૦ જેટલી શાળાઓની પસંદગી કરવામાં આવી છે. હાલ ધો.૬માં આ પ્રોજેક્ટની અમલવારી કરાશે. જે બાદ ધો.૭ અને ધો.૮ને પણ સમાવાશે એવું શિક્ષણ કચેરી સુત્રોએ જણાવ્યું હતું.


➣ પ્રારંભે અંગ્રેજી વિષય ભણાવાશે...

વર્ચ્યુઅલ એજ્યુકેશનમાં પ્રારંભિક તબક્કે ધો.૬માં અંગ્રેજી વિષયનું શિક્ષણ અપાશે. જે બાદ ગણિત, વિજ્ઞાન સહિ‌તના વિષયોનું ઓનલાઇન શિક્ષણ કાર્ય થશે એવું જિલ્લા શિક્ષણ કચેરીના સુત્રોએ જણાવ્યું હતું.

➣ નવું શું હશે?

વર્ગખંડમાં ડસ્ટર ચોકને બદલે સ્ક્રીન પર શિક્ષણ અપાશે જે તે વિષયના તજજ્ઞો દ્વારા શિક્ષણના પાઠ ભણાવાશે ઓનલાઇન પ્રસારણથી દરેક સ્કૂલમાં એક સરખું શિક્ષણ અપાશે ઓડિયો, વિડીયોને લીધે બાળકોની અભ્યાસમાં રૂચી જાગશે ૧પમી ઓગસ્ટથી પ્રારંભ જિલ્લા સહિ‌ત રાજ્યમાં વર્ચ્યુઅલ એજ્યુકેશન માટે કોમ્પ્યુટર સહિ‌તની સુવિધા ધરાવતી શાળાઓની પસંદગી કરવામાં આવી છે. આ શાળાઓમાં આગામી ૧પમી ઓગસ્ટ બાદ અમલવારી થવાની સંભાવના શિક્ષણ સુત્રોએ વ્યક્ત કરી હતી.

No comments: